મધીયો બાજ શિકારી પંખી ખરો પણ તેનો મુખ્ય ખોરાક મધ, મધમાખીના ઈંડા અને તેમનાં બચ્ચાં છે. ઝાડમાં યોગ્ય જગ્યાએ બેસી મધમાખીઓની આવનજાવન માટે આસપાસ ચકોર નજર ફેરવ્યા કરે. તેનાં પરથી તેમનો મધપૂડો શોધી કાઢે. પછી ત્યાં પહોંચી, ચાંચથી તેને તોડી તેમાંથી મધ, ઈંડા અને મીન વગેરે ખાઈ જાય. તેની ચાંચ અને મોઢા આસપાસના પીંછાની રચના એવી કે મધમાખીઓ તેમાં ડંખ ન મરી શકે. મોટાં જીવડાં, ગરોળી, ઉંદર કે પંખીઓનાં નાનાં બચ્ચાં પણ મધીયો ખાય. મોટા બગીચા અને વનરાઈનું પંખી.
મધીયો ઓળખવામાં થોડો અઘરો ગણાય. પુખ્તવયનાં પંખીઓનાં રંગ પણ એકધારા હોતાં નથી. ઘેરાથી આછા સુધીના જુદા જુદા વર્ણોમાં તે જોવા મળે છે. મુખ્યત્વે ઉપરના ભાગે રાખોડી ઝલકવાળો બદામી. તેમાં પણ માથું થોડું વધારે રાખોડી. પેટાળ આછું બદામી. તેમાં પુષ્કળ સફેદ આછી રેખાઓ. માથા પાછળ અસ્પષ્ટ ટૂંકી કલગી, ઉંચી કરે ત્યારે દેખાય. નીચેથી પાંખનો રંગ રૂપેરી રાખોડી અને તેમાં ઘેરી રેખાઓ. પૂંછડી થોડી લાંબી અને રંગે રાખોડી. તેમાં કાળાશ પડતા ઝાંખાં પટા. માથું પ્રમાણમાં નાનું માથું, અને ડોક થોડી લાંબી. ચાંચ રાખોડી કાળી. પગ પીળા. નર-માદા સરખાં.
ઉડતો હોય ત્યારે નાનું માથું, લાંબી ડોક અને લાંબી પણ ઓછી પહોળી પાંખો તથા ખાસ તો પૂંછડી પાસેના બે કાળા પટાથી અચૂક ઓળખી શકાય.
પ્રજનન ઋતુ મેં માસથી ઓગસ્ટ. વૃક્ષોમાં માળા કરે. સ્થાઈ નિવાસી – અનુકૂળ સ્થળોએ. મુખ્યત્વે શિયાળું મુલાકાતી. ઠીક ઠીક વ્યાપક.
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ